અવતાર માનવીનો

જોજો, ગુમાવશો ના એતબાર માનવીનો,
એળે ન જાય જોજો, અવતાર માનવીનો.

એવાં ન વેણ કાઢો કે દિલને ઠેસ વાગે,
શબ્દો ઉપર છે નિર્ભર સંસાર માનવીનો.

લક્ષ્મી તો માનવીની ઠોકરમાં છે સમાણી,
લક્ષ્મી ઉપર નથી કંઇ આધાર માનવીનો.

છે પુણ્ય સૌથી મોટું, માનવને સાથ દેવો;
છે પાપ સૌથી મોટું, સંહાર માનવીનો.

ભક્તિ થકી જગતમાં પાષાણ પીગળે છે,
મુશ્કિલ છે પ્રાપ્ત કરવો એક પ્યાર માનવીનો.

એવું અમુલ્ય જીવન તુજને મળ્યું છે જગમાં ,
કિરતાર ખુદ ધરે છે અવતાર માનવીનો.

હરગીઝ એ માનવીનો નહીં મોક્ષ થાયે ‘નાઝિર’,
જે માનવી કરે છે સંહાર માનવીનો.

(સૂનાં સદન માંથી)

Leave a comment