કોહિનૂર લાગું છું

કોઈને આગ લાગું છું,કોઈને નૂર લાગું છું,
ખરેખર તો હું ખાલી છું, છતાં ભરપૂર લાગું છું,

દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની,
નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લાગું છું.

હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી,
કે હું દેખાઉં છું નજદીક ને જોજન દૂર લાગું છું.

તમારા રૂપની રંગત ભરી છે મારી આંખોમાં,
અને આ લોકને લાગ્યું કે હું ચકચૂર લાગું છું.

કસોટી પર તો ‘નાઝિર!’ છું ફકત એક કાચનો કટકો,
ખુદાની મહેરબાની છે કે કોહિનૂર લાગું છું.

(સૂનાં સદન માંથી)

Leave a comment