નાઝિરનું સ્વમુખે પઠન…સાથે ગુરુભાઈ બેફામ

કોહિનૂર લાગું છું

કોઈને આગ લાગું છું,કોઈને નૂર લાગું છું,
ખરેખર તો હું ખાલી છું, છતાં ભરપૂર લાગું છું,

દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની,
નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લાગું છું.

હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી,
કે હું દેખાઉં છું નજદીક ને જોજન દૂર લાગું છું.

તમારા રૂપની રંગત ભરી છે મારી આંખોમાં,
અને આ લોકને લાગ્યું કે હું ચકચૂર લાગું છું.

કસોટી પર તો ‘નાઝિર!’ છું ફકત એક કાચનો કટકો,
ખુદાની મહેરબાની છે કે કોહિનૂર લાગું છું.

(સૂનાં સદન માંથી)

મીટ માંડે છે

ધીરેથી વાત છેડીને વદન પર મીટ માંડે છે,

વીંઝીને વીંઝણો કોઇ અગન પર મીટ માંડે છે.

ખુદા યા, ખેર ચાહું છું સિતારાચાંદસૂરજની ,

અગન ઝરતાં નયન આજે ગગન પર મીટ માંડે છે.

ભલા કાફલો મંઝિલ ઉપર પહોંચી શકે ક્યાંથી?

પ્રથમથી જે નજીવા અપશુકન પર મીટ માંડે છે.

ઠરીને ઠામ થાવાનું નથી ઠેકાણું બુલબુલને;

પ્રથમથી પારધી એના સદન પર મીટ માંડે છે.

હજુ પર શું કસર બાકી રહી ગઈ જુલ્મ કરવામાં?

જનાજા પાસે આવીને કફન પર મીટ માંડે છે.

જગતની દ્રષ્ટિએનાઝિરનિહાળે છે ફકત તમને;

હકીકતમાં તો એ ચૌદે ભુવન પર મીટ માંડે છે.