સરદાર

એકતા કેરી હતી જે ભાવના સરદારની-
થઈ ગઈ સાકાર વિશ્વે ઝંખના સરદારની.

એક દી એણે ઉઠાવ્યો માથું ઊંચકીને અવાજ,
એકહથ્થુ હોય ના ભારતમહીં કોઈનું રાજ !

છે પ્રચલ્લિત દેશ માંહે આજ પણ એની કથા-
શસ્ત્ર વિણ તોડી ગુલામી કેરી જેણે શૃંખલા !

એથી લોખંડી પુરુષમાં ગણના એની થાય છે-
વીર એવા ના કદીયે પેદા ઘર ઘર થાય છે.

વીર વલ્લભ શા સપૂતો જ્યારે સઘળા થઈ જશે-
ત્યારે ‘નાઝિર’ દેશ માંહે ના થવાનું થઈ જશે !

કાતિલને પણ આરામ છે

દિલને પણ આરામ છે,કાતિલને પણ આરામ છે,
રાત પણ વીતી ગઈ, મ્હેફિલને પણ આરામ છે.

એક પંથી કાજ કોલાહલ હતો ચારે તરફ,
એ અવલ મંઝિલ ગયો,મંઝિલને પણ આરામ છે.

તેજ લોનારાં ય વિખરાયાં,બળી ગઈ વાટ જ્યાં,
તેલ પણ ખૂટી ગયું, કંદિલને પણ આરામ છે.

શાંત સાગર થઈ ગયો,મોજાંનું માતમ પણ શમ્યું,
નાવ પણ ડૂબી ગઈ,સાહિલને પણ આરામ છે.

ભૂખ-તરસથી જ્યારે આ ‘નાઝિર’નો છૂટકારો થયો,
ત્યારથી આઠે પ્રહર મુશ્કિલને પણ આરામ છે.

-સૂનાં સદન

સંભવ

લોહી છે નસેનસમાં, ત્યાં લગી સગાઈ છે,
ત્યાં લગી જ વૈભવ છે,
એ બધું જશે ત્યારે કોઈ ના સગું થાશે,
કંઇકનો અનુભવ છે.

મોંએ ખૂબ મીઠાં છે, આમ તો રૂપાળાં છે,
માત્ર મનનાં મેલાં છે,
એટલે તો લાગે છે નિત્ય એ કમળ જેવાં,
પેટમાંહે કાદવ છે.

એમને પિછાણું છું, રોજ એને માણું છું,
એમની જ સંગાથે,
ઓળખાણ આપી દઉં, એ જ મારા દુશ્મન છે,
જેઓ મારા બાંધવ છે.

શ્વાસ જ્યારે ઘૂંટાશે, જીવ જ્યારે ગભરાશે,
આંખે ઓછું દેખાશે,
હાથ આડા દેશે ના સાહ્યબી તને ‘નાઝિર!’,
જેનું તુજને ગૌરવ છે.

દર્શ એનાં થઈ જાશે એક પળ કે બે પળમાં,
જોઈ લેજે ‘નાઝિર’ તું,
આવવાનો મંદિરમાં,આજ એનો દિવસ છે,
એવો થોડો સંભવ છે.

લાજ રાખી છે


અમે એવી રીતે કપરા સમયની લાજ રાખી છે,
સદા હસતું વદન રાખી વિજયની લાજ રાખી છે.

કોઈને જાણ પણ થાવા નથી દીધી ય હાલતની,
કે તારું ઓઢણું ઓઢી પ્રણયની લાજ રાખી છે.

સદાયે મૌન સેવીને દીધી છે તક હરીફોને,
અમે ખુદ અસ્ત પામીને ઉદયની લાજ રાખી છે.

બીજાની દેખતાં મુજને તમે વાર્યો એ સારું છે,
તમે નિજ મનને મારીને પ્રણયની લાજ રાખી છે
.

અજાણ્યા થઈ અને પૂછ્યું : ‘થયું શું આજ ‘નાઝિર’ને ?’
બીજાની વાત છેડીને વિષયની લાજ રાખી છે.

પડ્યો જેવો સમય ‘નાઝિર’ અમે એવી રીતે વર્ત્યા,
અમે રાખીને મોટું મન સમયની લાજ રાખી છે.

सलाम केहना

IMG-20160822-WA0028

 

चांद उनको पहेला मेरा सलाम केहना

जिर मुजपे जो बीती है बातें तमाम केहना

 

बेदर्द जमाने ने बेहद सताया फिर भी

कुछ भी की शिकायत इतना कलाम केहना

 

गुलशन ,वो यहां के मेरा पता जो पूछे,

उसने उठा लिया है अपना मकाम केहना

 

छोडा है दम वफा में , देना गवाही जर्रों,

था सुबह शाम लब पर तेरा ही नाम केहना

 

जाते हो वतन नाझिर‘,गर यार मिले मेरा

मैं खुश हुं ,दुआ करना, इतना पयाम देना

 

ભૂલ થઈ ગઈ છે

cropped-dsc01050.jpg

 

 

 

 

 

બંદગાની કબુલ થઈ ગઈ છે

જિંદગાની વસૂલ થઈ ગઈ છે

 

આપને શોધવા જનારાની

આખી દુનિયા જ ડૂલ થઈ ગઈ છે

 

જે વીતી ગઈ તમારી યાદોમાં

એ પળો તો અમૂલ થઈ ગઈ છે

 

મિલનની માગણી કરી બેઠો

આદમી છું હું, ભૂલ થઈ ગઈ છે

 

ભાર એવો ઉતાર્યો ‘નાઝિર’નો

જિંદગી હળવી ફૂલ થઈ ગઈ છે.

વિનંતી

IMG-20160822-WA0028

 

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન,મને વેરાન વન દેજે.

સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં,મને એવાં નયન દેજે.

હું મુક્તિ કેરો ચાહક છું,મને બંધન નથી ગમતાં;
કમળ બિડાય તે પહેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.

સ્વમાની છું,કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદા યા!આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ મુજને એ નમન દેજે.